ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહની બુધવારે એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી)ના ચેરમેન પદે સળંગ ત્રીજી ટર્મ માટે નિમણુંક કરવામાં આવી હતી. એસીસીની વાર્ષિક સાધારણ સભા બાલી ખાતે મળી હતી જેમાં શાહના કાર્યકાળને લંબાવવાની દરખાસ્ત શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વા દ્વારા કરવામાં આવી હતી. આ દરખાસ્તને એસીસીના તમામ સભ્યોએ સર્વાનુમતે ટેકો આપ્યો હતો.
જય શાહે જાન્યુઆરી 2021માં સૌપ્રથમ વખત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસનના સ્થાને એસીસીના ચેરમેનનું પદ મેળવ્યું હતું. શાહના નેતૃત્વમાં અત્યાર સુધીમાં એસીસીએ 2022માં ટી20 ફોરમેટમાં જયારે 2023માં વન-ડે ફોરમેટમાં એશિયા કપનું આયોજન કરાયું હતું. સતત ત્રીજી ટર્મ માટે એસીસીના ચેરમેનનું પદ મેળવ્યા બાદ જય શાહે જણાવ્યું કે, ‘મારામાં વિશ્ર્વાસ જાળવી રાખવા બદલ હું એસીસી બોર્ડનો આભારી છું.
આપણે આ રમતના સાર્વત્રિક વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. જયાં હજુ આ રમત વધુ લોકપ્રિય નથી બની કી તેવા ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. એસીસી સમગ્ર એશિયામાં ક્રિકેટના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.’ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સિલ્વાએ જણાવ્યું કે, ‘શાહના માર્ગદર્શનમાં બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા શક્તિશાળી દેશોમાંથી ક્રિકેટ ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને પ્રોત્સાહન આપવામાં આઈસીસીની ભૂમિકા ચાવીરૂપ રહી છે.’ ઓમાન ક્રિકેટના ચેરમેન તથા એસીસીના વાઈસ ચેરમેન પંકજ ખીમજીએ પણ જય શાહને ત્રીજી ટર્મ માટે ચેરમેન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ખીમજીએ જણાવ્યું કે, આજે એસીસી દ્વારા આયોજીત ટુર્નામેન્ટમાં હિસ્સેદારો તેમના દ્વારા ટુર્નામેન્ટમાં કરાતા રોકાણને મૂલ્ય તરીકે જુએ છે, આ નોંધપાત્ર પરિવર્તનનો શ્રેય જય શાહને આપું છું, આનાથી આગામી સમયમાં એશિયા ક્ષેત્રમાં ક્રિકેટની રમતને વધુ ઈજન પ્રાપ્ત થશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચેરમેન નઝમુલ હસને જણાવ્યું કે, શાહના નેતૃત્વ હેઠળ એશિયામાં ક્રિકેટ વધુ સમૃદ્ધ બનશે. હસને આ પ્રયાસને આગળ ધપાવવા એસીસી સાથે સહયોગ પર ભાર આપ્યો હતો.