પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મને શંકા છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં 40 બેઠક પણ જીતી શકશે કે કેમ. કોંગ્રેસે ખરેખર ટક્કર આપવી હોય તો હિન્દી પટ્ટામાં ભાજપને તેણે પડકારવું જોઇએ. તેની સાથે મમતા બેનરજીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ટીકા કરતા જણાવ્યું હતું કે યાયાવર પક્ષીઓ જે રીતે પ્રવાસે આવે છે તે પ્રકારની રાહુલ ગાંધીની આ યાત્રા છે.
કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા પશ્ચિમ બંગાળના છ જિલ્લામાંથી પસાર થઇ રહી છે. તેમણે આ યાત્રાને રાજ્યમાં આવતા યાયાવર પક્ષીઓના ફોટો પાડવાની તક સમાન ગણાવી હતી. તેમણે તેને એક રીતે રાહુલ ગાંધીનું ખીંચ મેરી ફોટો, ખીંચ મેરી ફોટો જેવું સેશન ગણાવ્યું હતું. કોંગ્રેસ 300 બેઠક પર લડ્યા પછી 40 બેઠકો પર પણ જીતે કે કેમ તેની મને શંકા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ કે તૃણમૂલ કોંગ્રેસ તો કોંગ્રેસ સાથે જોડાણ કરવા ઇચ્છતી હતી અને સીટ શેરિંગ કરવા માંગતી હતી પરંતુ કોંગ્રેસે ઇન્કાર કર્યો.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું, “મે કોંગ્રેસને કહ્યું કે બંગાળમાં 2 બેઠક લઇ લો પરંતુ તેમણે (કોંગ્રેસ) ઇનકાર કરી દીધો. જાઓ યૂપીના પ્રયાગરાજ અને બનારસમાં ભાજપને હરાવીને આવો.” આ દરમિયાન કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે મમતા બેનરજી સાથે સીટ શેરિંગ ફર્મ્યુલા પર કામ હજુ પણ જારી છે. તેના અંગે હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય થયો નથી.