સારવારની પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને પણ ટુંક સમયમાં વીમા પોલીસીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ વીમા કંપનીઓને આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, હોમિયોપેથી તેમજ સિદ્ધા (આયુષ)ને સ્વાસ્થ્ય વીમા પોલીસીમાં સામેલ કરવાનું કહ્યું છે.
વીમા નિયામકે કંપનીઓને આયુષ ઉપચાર પ્રદાન કરવા માટે બોર્ડ દ્વારા સ્વીકૃત પોલિસી રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેના માટે કંપનીઓ દિશા નિર્દેશ પણ રજુ કરશે. નિયામકે કહ્યું છે કે બધી વીમા કંપનીઓને 1 એપ્રિલ 2024 સુધીમાં માર્ગદર્શિકા તૈયાર કરવાની રહેશે, જે નવા નાણાકીય વર્ષથી અમલમાં આવશે. ઈરડાએ જણાવ્યું હતું કે, આ નિર્દેશોમાં કંપનીઓએ ગુણવતા પર ખાસ ધ્યાન આપવું પડશે. આયુષ હોસ્પિટલોમાં પણ કેસલેસ ઈલાજની વ્યવસ્થા કરવી જોઈએ.
ઈરડાએ કંપનીઓને કહ્યું છે કે તે પોતાની વીમા પ્રોડકટમાં ફેરફાર કરીને તેને આમ લોકો માટે બીજી વાર જાહેર કરે. જે વીમા પોલીસીમાં આયુષ સારવારને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, તે હટાવીને આ પ્રકારની સારવાર પર પણ કલેમ આપવાનું સ્વીકારે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા જ વીમા પરિષદે વીમા કંપનીઓને કહ્યું છે કે તે એ હોસ્પિટલોમાં પણ કેસલેસ સારવારની સુવિધા આપે જે તેમની યાદીમાં સામેલ નથી, હાલની પોલીસીમાં પણ સંશોધન કરીને બીજી વાર જાહેર કરે.


