અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ બાદ હવે કાશી-મથુરાના વિવાદીત સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો બાકીના વિવાદો પર પડદો પાડી દેવા તથા દાવા પાછા ખેંચવાની હિન્દુઓની તૈયારી હોવાનું અત્યંત મહત્વપૂર્ણ વિધાન રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી ગોવિંદદેવ ગીરી મહારાજે કર્યુ છે. તેઓએ કહ્યું કે, હિન્દુઓ ભવિષ્યમાં જીવવા-આગળ વધવા માંગે છે. ભૂતકાળ ભુલી જવાની તૈયારી છે એટલે કાશી-મથુરાના વિવાદ રદ કરીને પવિત્ર સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો અન્ય સ્થળોના દાવા કરવામાં નહીં આવે. અયોધ્યા પછી જ્ઞાનવાપી અને મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાંતિપૂર્વક મળી જવાના કિસ્સામાં બાકીના દાવા ભુલી જવાની તૈયારી છે.
પુનાના એક કાર્યક્રમમાં આ અત્યંત મહત્વપૂર્ણ નિવેદન કરતા ગોવિંદ દેવગીરી મહારાજે જ્ઞાનવાપી મસ્જીદ વિવાદ વિશે કહ્યું કે હિન્દુઓના અયોધ્યા, કાશી અને મથુરા એમ ત્રણેય પવિત્ર તીર્થસ્થળો શાંતિપૂર્વક સોંપી દેવા મુસ્લીમોને હાથ જોડીને અપીલ કરૂ છું. આ સ્થળોના મંદિર ભૂતકાળમાં આક્રમણખોરો તોડી પાડયા હતા અને ત્યાં મસ્જીદ બનાવી હતી. હિન્દુઓ પર આ સૌથી મોટા દાગ છે અને તેનુ હિન્દુઓને ભારે દુખ છે. ભાઈચારા-શાંતિપૂર્વક આ વિવાદીત સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો ભાઈચારાની ભાવના દ્દઢ કરવામાં મદદ મળશે. તેઓએ કહ્યું કે વિદેશી આક્રમણખોરો દ્વારા ભૂતકાળમાં 3500 મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. અયોધ્યા-કાશી-મથુરા સોંપી દેવામાં આવે તો અન્ય વિવાદો ભુલી જવાની તૈયારી છે.
આ માંગ સ્વીકારી લેવા તેઓએ અપીલ કરી છે. અયોધ્યા રામમંદિરનું સમાધાન નિકળી ગયુ છે. નવો યુગ શરૂ થયો છે ત્યારે અન્ય વિવાદો પણ ઉકેલી નાખવા જોઈએ. તેઓએ દાવો કર્યો હતો કે મુસ્લીમો પણ કાશી-મથુરાનો વિવાદ ખત્મ કરવા માંગે છે, માત્ર અમુક લોકો જ તેનો વિરોધ કરે છે.