મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના કારણે અહીંના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનનો સમાવેશ થાય છે. જેમાં રાજેશ અગ્રવાલની રાજગઢ જિલ્લાના સારંગપુરથી ધરપકડ કરવામાં આવી છે. તે કારમાં દિલ્હી ભાગી જવાની ફિરાકમાં હતો. હરદા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે અને 175થી વધુ લોકો ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું હતું કે ફેક્ટરી ઓપરેટર રાજેશ અગ્રવાલ ઉપરાંત સોમેશ અગ્રવાલ અને રફીક નામના આરોપીની મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304, 308 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત વિસ્ફોટક ધારા હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આગ એટલી ભીષણ હતી કે મોડી રાત સુધી ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનાના સંચાલક રાજેશ અગ્રવાલ અને તેના પુત્રની સારંગપુરમાં વેન્યુ કારમાં ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ આરોપી તરત જ ફરાર થઈ ગયો હતો. રાજેશ અગ્રવાલ ઉજ્જૈનથી દિલ્હી જવા નીકળ્યા હતો તેમજ સોમેશ અગ્રવાલ પણ મધ્યપ્રદેશ છોડીને દિલ્હી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.