પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઇ હતી જેમાં નવાઝ શરીફ અને ઇમરાન ખાન બન્નેએ જીતનો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં કોઇ પણ પાર્ટીને બહુમત મળ્યો નથી એવામાં ગઠબંધન સરકાર બનવા જઇ રહી છે. નવાઝ શરીફે ગઠબંધન સરકાર બનાવવા માટે બિલાવલ ભુટ્ટોનો સંપર્ક કર્યો છે. પીપીપી અને પીએમએલ-એન સાથે મળીને સરકાર ચલાવવા માટે સંમત થયા છે. શુક્રવારે રાત્રે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી લાહોરમાં પીએનએલ-એન ચીફ શાહબાઝ શરીફને મળ્યા. બંને પક્ષો દેશમાં રાજકીય અને આર્થિક સ્થિરતા લાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે.
ઇમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા જ્યારે 2022માં પોતાનું વડાપ્રધાનનું પદ ગુમાવ્યું હતું ત્યારે પાકિસ્તાનમાં ગઠબંધનની સરકાર બની હતી. શાહબાઝ શરીફની પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટોની પીપીપીએ ગઠબંધન સરકાર બનાવી હતી, તે સમયે શાહબાઝને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા અને વિદેશ મંત્રાલયની કમાન બિલાવલ ભુટ્ટોના હાથમાં હતી.
ચૂંટણી પંચ અનુસાર, નવાઝ શરીફના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને 72 બેઠક, બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીને 52 બેઠક અને ઇમરાન ખાનની પાર્ટી સમર્થિત અપક્ષ ઉમેદવારોને 97 બેઠક મળી છે. પાકિસ્તાનમાં 265 બેઠક માટે ચૂંટણી યોજાઇ છે જેમાં બહુમત માટે 133 બેઠકની જરૂર છે. કોઇની પાસે બહુમત નથી.
ઈમરાન ખાન અને નવાઝ શરીફે જીતનો દાવો કર્યો હતો
ચૂંટણીના સંપૂર્ણ પરિણામ જાહેર થયા પહેલા જ ઈમરાન ખાન અને નવાઝ શરીફે જીતનો દાવો કર્યો છે. બંનેએ 9 ફેબ્રુઆરીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ઈમરાને જેલમાંથી AI મેસેજ આપ્યો હતો. ચૂંટણી પંચે 18 કલાકના વિલંબ પછી સત્તાવાર પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું. હવે 49 કલાક બાદ પણ તમામ બેઠકો પરથી પરિણામ જાહેર થયા નથી. આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સહિત અનેક પ્રાંતોમાં હિંસા ફેલાઈ છે. જેલમાં બંધ ઈમરાનની પીટીઆઈ અને બિલાવલની પીપીપીએ ઘણી સીટો પર ગોટાળાના આરોપો લગાવ્યા છે.
ઇમરાન ખાને એઆઇ-બેસ્ડ અવાઝ સાથે જીતનું ભાષણ ધરાવતો વીડિયો શેર કર્યો છે. ઇમરાન ખાને કહ્યું કે લોકોએ પોતાનો મત આપીને વાસ્તવિક સ્વતંત્રતાનો પાયો રાખ્યો છે અને હું તમામને 2024ની ચૂંટણીમાં જીતની શુભકામના પાઠવું છું. મને તમારી પર પુરો વિશ્વાસ હતો કે તમે મત આપવા આવ્યા અને તમે મારા વિશ્વાસનું સમ્માન કર્યું છે. તમારા ભારે મતદાને તમામને ચોકાવી દીધા છે. તમારા કારણે લંડન પ્લાન ફેલ થયો છે.