શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે હાલમાં પરિક્રમા મહોત્સવ પાંચ દિવસનો પર્વ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે દેશ-વિદેશમાંથી માઈભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યાં છે. આ પ્રસંગે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા પથ, 51 શક્તિપીઠ મંદિર સાથે અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ગબ્બર ડુંગર પર માતાજીની મહાઆરતી કરાઈ હતી. સુંદર અને અદભુત રોશનીને જોઈ યાત્રિકોએ આનંદ મેળવ્યો હતો.
અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. કલરફુલ લાઇટોથી મંદિર પરિસર અને મંદિરના શિખરને પણ શણગારવામાં આવ્યું છે. આ સિવાય ગબ્બર પરિક્રમા પથ ઉપર પણ રંગબેરંગી લાઈટો લગાડવામાં આવી છે. ગબ્બર ખાતેના મુખ્યદ્વાર, અંબાજી મંદિરનો શક્તિદ્વાર, ગબ્બર સર્કલ પરનો શક્તિચોક અને 51 શક્તિપીઠ સર્કલ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઊઠ્યાં છે. અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ પર્વને લઈને સુંદર કાર્યક્રમો ચાલી રહ્યાં છે.