ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આખી વિધાનસભા અંબાજીનાં દર્શને આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ, મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જોડાયા હતા. CM સહિત તમામ ધારાસભ્યોએ મા અંબાની આરતી ઉતારી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી-પૂજન-અર્ચન કર્યાં હતાં. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને દર્શન-આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદ્ભુત નજારો ઊભો કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યઓ ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યાર બાદ સૌ કોઈ માતા સતીના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેક્નોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીઓ તથા ધારાસભ્યઓએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી.