અભ્યાસ બાદ વર્ક વિઝા તથા આશ્રિતને લાવવા પરના નિયંત્રણ સહિતના પરિબળોને કારણે બ્રિટનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી અરજીઓમાં 4 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે યુનિવર્સિટી અને કોલેજ એડમિશન સર્વિસ (યુસીએએસ)ના આંકડા દર્શાવે છે કે અંડરગ્રેજ્યુએટ જગ્યાઓ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એકંદર સંખ્યામાં 0.7 ટકાનો વધારો થયો છે.
ગયા વર્ષની સરખામણીમાં ભારતમાંથી અરજીઓ 4 ટકા ઘટીને 8,770 અને નાઈજીરિયામાંથી 46 ટકા ઘટીને 1,590 થઈ છે. આંતરરાષ્ટ્રીય અરજદારોમાં 0.7 ટકાના વધારા સાથે બ્રિટિશ કોલેજોમાં શિક્ષણ હજુપણ વિદેશી વિદ્યાર્થીઓ પસંદ કરતા આવ્યા છે. અરજદારોમાં સૌથી વધુ ચીન (3 ટકા, 910 અરજદારો), તુર્કી (37 ટકા, 710 અરજદારો) અને કેનેડા (14 ટકા, 340 અરજદારો) છે. નાઈજીરીયા (માઈનસ 46 ટકા) અને ભારત (માઈનસ 4 ટકા) ના અરજદારોમાં ઘટાડો થયો છે.
હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પછી વર્ક વિઝાની મંજૂરી આપવાના નિર્ણયની સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા હતા. સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોય છે. સાથે જ સરકારી શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓ પર આશ્રિતને લાવવા પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જેની પણ અસર જોવા મળી રહી છે.