ચંદીગઢના ભાજપના મેયર બનેલા મનોજ સોનકરે મોડી રાત્રે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચંદીગઢ ભાજપના પૂર્વ અધ્યક્ષ અરુણ સૂદે મેયરના રાજીનામાની પુષ્ટિ કરી છે.
આજે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગોટાળાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી (AAP) ના 3 કાઉન્સિલરો રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા અને ભાજપમાં જોડાયા. પૂનમ દેવી, નેહા મુસાવત અને ગુરચરનજીત સિંહ કાલાને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે દ્વારા ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. હવે સુનાવણી બાદ જો સુપ્રીમ કોર્ટ ફરીથી મેયરની ચૂંટણી યોજવાનો આદેશ આપે તો ભાજપની જીત લગભગ નિશ્ચિત બની જશે.
સુપ્રિમ કોર્ટમાં આજે થનારી સુનાવણી ઈન્ડિયા એલાયન્સના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમાર ટીટા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર થશે. ગઠબંધનએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ચૂંટણી અધિકારી અનિલ મસીહે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મત ગણતરીમાં છેડછાડ કરી હતી. જેના કારણે ભાજપે છેતરપિંડી કરીને પોતાના મેયર બનાવ્યા છે.
AAPના 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા બાદ મહાનગરપાલિકાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે. ભાજપ પાસે પહેલાથી જ એક સાંસદ સહિત 15 વોટ છે. AAPના 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાતા આ આંકડો વધીને 18 થયો છે. એક અકાલી દળના વોટ ઉમેરવાથી આ સંખ્યા વધીને 19 થઈ જશે. આવી સ્થિતિમાં જો સુપ્રીમ કોર્ટ ફરીથી મેયરની ચૂંટણી યોજવાનો નિર્ણય કરશે તો ભાજપ પૂર્ણ બહુમતી સાથે પોતાને મેયર બનાવશે.