રાજસ્થાનના જયપુર રેન્જ આઈજીએ ગામડાઓમાં ખુલ્લેઆમ, બેરોકટોક ચાલતા બીફ માર્કેટ અને ગૌહત્યા સામે કડક કાર્યવાહી કરી છે. અહીંના આઈજી ઉમેશ ચંદ્ર દત્તાએ પહેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પછી બેદરકારી બદલ તેમના જ વિભાગ સામે મોટી કાર્યવાહી કરી હતી. આઈજીએ કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના એસએચઓ દિનેશ મીણા સહિત 38 પોલીસકર્મીઓને સામે તપાસ શરૂ કરી છે અને આ કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યા બાદ, ચાર પોલીસકર્મીઓ – એએસઆઈ જ્ઞાનચંદ, હેડ કોન્સ્ટેબલ રઘુવીર, બીટ કોન્સ્ટેબલ સ્વયં પ્રકાશ અને રવિકાંતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીફ માર્કેટની જાણકારી મળ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સ્થળ પરથી 12 બાઇક અને એક પીકઅપ વેન પણ કબજે કરી હતી. આ ઉપરાંત પોલીસને પશુઓ પણ મળી આવ્યા છે. આઈજી ઉમેશ ચંદ્ર દત્તે જણાવ્યું હતું કે તેમણે પોતે ત્રણ-ચાર અલગ-અલગ જિલ્લાના એસપીના નેતૃત્વમાં રૂંધ ગીદાવડા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 9 વાગ્યા સુધી પોલીસનું સર્ચ કોમ્બિંગ ચાલુ રહ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે સ્થળ પરથી મળી આવેલા ગૌહત્યાના પુરાવાઓનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે અને આ ગેંગમાં જે પણ સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અલવર જિલ્લાના ખૈરથલ અને મેવાત વિસ્તારમાં ખુલ્લેઆમ બીફ માર્કેટનું આયોજન, વેચાણ અને સોશિયલ મીડિયા દ્વારા હોમ ડિલિવરીનો મામલો સામે આવ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આઈજી ઉમેશ ચંદ્ર દત્તાએ ગઈકાલે સાંજે કિશનગઢબાસ અને રામગઢ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ગૌહત્યાના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મામલાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા બનવારી લાલ સિંઘલે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.