ખેતપેદાશોને અપાતા ટેકાના ભાવને કાનુની માન્યતા આપવાના મુદ્દે પંજાબ સહિતના ઉતર ભારતના ખેડુતોએ ચાલુ કરેલા આંદોલનમાં ગઇકાલે સરકારની દરખાસ્ત ફગાવ્યા બાદ હવે આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેત છે.આ આંદોલનના કારણે દેશના કૃષિ ઉદ્યોગ અને એકંદર અર્થતંત્રને પણ મોટુ નુકસાન થઇ રહ્યું હોવાની ચેતવણી આપવામાં આવી છે.
વ્યાપારીઓની સંસ્થા CAIT દ્વારા આ હડતાળ પર ચિંતા વ્યકત કરતા જણાવ્યું છે કે, સરકારે અને ખેડુત સંગઠનોએ ઝડપથી કોઇ સમાધાન ઉપર આવવું જરૂરી બની ગયુ છે અને ખાસ કરીને સાત દિવસમાં રૂા. એક હજાર કરોડ જેવું નુકસાન દેશના અર્થતંત્રને થયું છે. ગત સપ્તાહથી જ પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર હજારો ખેડુતો પડાવ નાંખીને બેઠા છે અને અત્યાર સુધીની ચાર તબકકાની વાતચીત નિષ્ફળ ગઇ છે. કો.ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એ જણાવ્યું છે કે છેલ્લા એક સપ્તાહથી નેશનલ હાઇવે જામ કરવાથી ટ્રાન્સપોર્ટેશનને સૌથી મોટુ નુકસાન થઇ રહ્યું છે અને ખેડુત સંગઠનોએ જવાબદારી ઓછામાં ઓછી રીતે તકલીફ પડે તે રીતે તેમના આંદોલનને આગળ વધારવું જોઇએ.
આ આંદોલનના કારણે સમગ્ર શંભુ બોર્ડર ઉપરાંત સિંધુ બોર્ડર, ટીકડી બોર્ડર સીલ કરી દેવાઇ છે. દિલ્હી આસપાસના અન્ય ઔદ્યોગિક ક્ષેત્રમા માલ સપ્લાય અટકી ગઇ છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ફેકટરીઓ, દુકાનો પણ બંધ કરવાની ફરજ પડી છે અને હજારો મજુરો પણ દૈનિક રોજગારીથી વંચિત થઇ રહ્યા છે. ખેડુતોને આગળ વધતા રોકવા માટે પોલીસે કરેલી કિલ્લેબંધી જેવી વ્યવસ્થા ટ્રાન્સપોર્ટને નુકસાન કરી રહ્યું છે. ખાસ કરીને અહીં નાના દુકાનદારોથી લઇ ફેકટરી માલિકો માટે પણ સમગ્ર વધવા લાગી છે. રૂા. 400-500ની કમાણી કરતા દુકાનદારોને તેમના વિસ્તારમાં વ્યાપાર ધંધો મળતો બંધ થઇ ગયો છે. 1100 જેટલી ફેકટરીમાં તૈયાર માલનો ભરાવો થતો જાય છે અને કાચા માલ પણ પહોંચી શકતો નથી.