અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણને એક મહિનો પૂર્ણ થયો છે. દાયકાઓ સુધી ટેન્ટમાં રહેલા રામલલા ગત મહિને 22 જાન્યુઆરીએ પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થયા હતા. 22 જાન્યુઆરીનો તે દિવસ હતો જ્યારે પીએમ મોદીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્દઘાટન કર્યું હતું અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી.
ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના એક મહિના બાદ પણ રામભક્તોનો ઉત્સાહ ઓછો થયો નથી. રામલલાના દર્શન માટે આવતા રામભક્તોની લાઇન લાગી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાના એક મહિના બાદ પણ એક દિવસમાં લાખોની સંખ્યામાં રામભક્ત રામલલાના દર્શન કરી રહ્યાં છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર અત્યાર સુધી 22 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી 60 લાખ રામભક્તોએ રામલલાના દર્શન કર્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ અનુસાર, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ બાદ પ્રથમ 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું, ‘ફેબ્રુઆરીમાં દરરોજ એકથી બે લાખ વચ્ચે ભક્ત રામ મંદિરમાં પૂજા અર્ચના માટે પહોંચે છે. અત્યાર સુધી આવતા ભક્તોની સંખ્યા 55-60 લાખ છે.
એક મહિના દરમિયાન વિવિધ પાર્ટીના સ્થાનિક નેતાઓ સિવાય બોલિવૂડ સ્ટાર પણ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પોતાના પરિવાર સાથે મંદિરમાં રામલલાના દર્શન કર્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 11 ફેબ્રુઆરીએ વિધઆન મંડળના લગભગ 300 સભ્યો સાથે રામ મંદિરમાં દર્શન કર્યા હતા. મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પોતાના મંત્રી મંડળ સાથે રામ મંદિરમાં દર્શન કર્યા હતા.