પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી. તેમનું 72 વર્ષની વયે અવસાન થયું. પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે, તેમનું આજે સવારે 11.00 કલાકે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત લથડી હતી. સંગીત કલાકારના નિધનના અહેવાલો સામે આવતા જ બોલિવૂડ જગત સહિત તેમના ચાલકોને પણ આઘાત લાખ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર સંગીતકારને આખરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો.
પંકજ ઉધાસે માત્ર 7 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તેમના ભાઈએ જ તેમનામાં રહેલી ગાયકીને બહાર લાવ્યા હતા. તેઓ એમના કાર્યક્રમમાં લઈ જતા અને ગાવાની તક આપતા. એક વખત તેમના ભાઈના કાર્યક્રમમાં ‘એ વતન કે લોગોં’ ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પછી જ તેણે ગાયકી અને ગઝલની દુનિયામાં પ્રવેશ કર્યો.
વર્ષ 2006માં પંકજ ઉધાસને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. મનહર ઉધાસના ભાઈ એવા પંકજ ઉધાસે પણ અનેક ફિલ્મોમાં સુપર હિટ ગીતો આપ્યા છે. 1980ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’નો સમાવેશ થાય છે. પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1987માં મ્યુઝિક ઈન્ડિયાએ ‘શગુફ્તા’ નામનું આ આલ્બમ લોન્ચ કર્યું. જેમાં પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.