એક વર્ષ અગાઉ નવસારીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ ગર્ભવતી બનાવનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે. રાજસ્થાન લઇ જઈ ત્યાં તેના બાળકની હત્યા કરીને દફનાવી દેવાની ઘટનાના આરોપીને નવસારી ટાઉન પોલીસે રાજસ્થાનના સઉ પદમસીંગ ગામમાં હેર સેલૂનમાં દાઢી કરાવવાના બહાને હત્યા આરોપીને દબોચી લીધો હતો. અગાઉ પોલીસે મુખ્ય આરોપીને પકડ્યો હતો, જયારે હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
નવસારી શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી સગીરાને એક વર્ષ અગાઉ શહેરના દરગાહ રોડ ખાતે સલુન ચલાવતા અને મુળ રાજસ્થાનના મોતીલાલ નાઈએ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદમાં તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સંસાર માંડવાના સપના સેવતી સગીરાને આરોપી ભગાડી રાજસ્થાન પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં સગીરાએ બાળકને જન્મ આપતા જ મોતીલાલ સાથે તેના ભાઈ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો અને અન્ય બે આરોપીઓએ નવજાત બાળકની હત્યા કરી હતી. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસમાં સગીરાના પરિવારે ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી મોતીલાલ નાઈ સામે પોસ્કો, બળાત્કાર, અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસે આરોપીને રાજસ્થાનથી દબોચી જેલના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં મોતીલાલને તેના ભાઈ ઓમપ્રકાશ અને અન્ય બે સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. જોકે મોતીલાલ પકડતા ઓમપ્રકાશ ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે 38 વર્ષીય આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમા નાઈની પણ ધરપકડ કરી લીધી હતી. જયારે ગુનામાં સહયોગ આપનારા અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.