હિમાચલ પ્રદેશમાં બહુમતી હોવા છતાં કોંગ્રેસ સાથે ખેલ કરવામાં આવ્યો હતો. 9 ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે સીએમ સુખવિંદર સુખુની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર જોખમમાં છે. કોંગ્રેસના 6 અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.
આ અંગે વિપક્ષના નેતા જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એક મેમોરેન્ડમ પણ આપ્યું હતું. ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં ફ્લોર ટેસ્ટ, કટ મોશન અને નાણાકીય બિલ પર મત વિભાજનની માગ કરી હતી.
વિપક્ષની માગ પર જ્યારે રાજ્યપાલે બહુમતી સાબિત કરવાનું કહ્યું તો સુખુ સરકાર અહીં અટવાઈ શકે છે, કારણ કે કોંગ્રેસ પાસે હવે બહુમતી હોય તેવું લાગતું નથી. રાજ્યસભાના સાંસદોના વોટિંગ પ્રમાણે કોંગ્રેસ પાસે 34 વોટ છે. આમાં પણ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર મતદાન કરી શકતા નથી. આ સંદર્ભમાં કોંગ્રેસ પાસે માત્ર 32 વોટ બાકી છે. આ દૃષ્ટિએ ભાજપ પાસે હવે સંખ્યાત્મક તાકાત વધુ હોવાનું જણાય છે. કોંગ્રેસ માટે થોડી રાહતની બાબત એ છે કે પક્ષપલટા વિરોધી કાયદો પક્ષના ધારાસભ્યોને સરકાર વિરુદ્ધ મતદાન કરવાની મંજૂરી આપતો નથી.
બીજી તરફ હિમાચલને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય થઈ ગયું છે. હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને કટોકટી ઉકેલવાની જવાબદારી સોંપવામાં આવી છે. બંને નેતા આજે શિમલા પહોંચી શકે છે. બળવાખોર ધારાસભ્યો ઈચ્છે છે કે સીએમ બદલવામાં આવે. આ દરમિયાન હિમાચલ ડીજીપીએ શિમલામાં વધારાની પોલીસ દળ તહેનાત કરી છે. અન્ય જિલ્લામાંથી અનામત બટાલિયન બોલાવવામાં આવી છે.
સંપૂર્ણ બહુમતી હોવા છતાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીનો પરાજય થયો
વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો છે અને પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સરળતાથી જીતશે તેવી અપેક્ષા હતી. એકમાત્ર રાજ્યસભા બેઠક માટે મતદાન દરમિયાન, સરકારને ટેકો આપતા કોંગ્રેસના છ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો અને અભિષેક મનુ સિંઘવી હારી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું પણ માનવામાં આવે છે કે બીજેપી ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. આ વાત સીએમ સુખુના નિવેદન પરથી પણ સમજી શકાય છે જેમાં તેઓ હરિયાણા સરકાર પર કોંગ્રેસના પાંચ-છ ધારાસભ્યોનું અપહરણ કરવાનો આરોપ લગાવી રહ્યા હતા.