હિમાચલ પ્રદેશમાં રાજકીય હલચલ વધી ગઇ છે. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રના પુત્ર વિક્રમાદિત્યએ નામ લીધા વિના સીએમ સુખવિંદર સુખુ પર અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને મંત્રી પદેથી રાજીનામું આપી દીધું. વિક્રમાદિત્યએ કહ્યું કે તેમનું અપમાન થયું છે. ધારાસભ્યોની અવગણના કરવામાં આવી હતી, જેનું પરિણામ ગઈકાલે જોવા મળ્યું હતું. હવે આગામી નિર્ણય હાઇકમાન્ડે લેવાનો છે.
ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્ય રાજેન્દ્ર રાણાએ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે સુખુને સીએમ પદેથી હટાવવાની માગ કરી છે. તેમણે કહ્યું છે કે જો આવું થાય તો તેઓ પાછા આવી શકે છે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષે ભાજપના 15 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં વિપક્ષના નેતા જયરામ ઠાકુરનો પણ સમાવેશ થાય છે. જયરામ ઠાકુર બુધવારે સવારે રાજ્યપાલને મળ્યા હતા અને ફ્લોર ટેસ્ટની માગ કરી હતી. ઠાકુર મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ રાજ્યપાલને મળ્યા હતા. કોંગ્રેસના 6 ધારાસભ્યો અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું, ત્યારબાદથી સુખુ સરકાર સંકટમાં આવી ગઇ છે.