ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન(ઇસરો)એ આગામી મિશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને ચંદ્રયાન-4 કહેવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રમાંથી માટીના નમૂનાઓને પૃથ્વી પર પરત લાવવાનો છે. નોંધનીય છે કે, ચંદ્રયાન-4 2028ની આસપાસ લોન્ચ થશે. આ અંગેની જાણકારીએ ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડાયરેક્ટર ડો. નિલેશ દેસાઈએ આ અંગેની માહિતી આપી છે.
મિશન સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી આપતા નિલેશે કહ્યું કે, આગામી 5 થી 7 વર્ષમાં અમે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ એકત્ર કરવાનો પડકાર પુરો કરીશું. તેમણે કહ્યું કે આ મિશન ચંદ્રયાન-3 કરતા વધુ મુશ્કેલ હશે. જ્યારે ચંદ્રયાન-3 પાસે 30 કિલોનું રોવર હતું, ત્યારે ચંદ્રયાન-4માં 350 કિલો વજનનું રોવર હશે જે ચંદ્રની સપાટી પર ઉતરશે. આ મિશન ક્યાં લેન્ડ થશે તે વિસ્તાર હજુ શોધી શકાયો નથી. ચંદ્રયાન-4 મિશનમાં બે રોકેટની મદદ લેવામાં આવી શકે છે. આ દર્શાવે છે કે મિશન કેટલું મુશ્કેલ હશે. ભારતીય સ્પેસ એજન્સીએ પણ જાપાનીઝ સ્પેસ એજન્સી સાથે મળીને ચંદ્ર મિશન શરૂ કરવાની યોજના બનાવી છે. આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. ચંદ્રયાન-3 મિશનની સફળતાએ ભારતને અવકાશની દુનિયામાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.
નોંધનીય છે કે, ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. જે બાદ આ દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાઈ ગયો હતો. 14 જુલાઈ 2023ના દિવસે ઈસરો દ્વારા ચંદ્રયાન-3 છોડાયું હતું જે 40 દિવસની અવકાશી સફર બાદ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયું હતું.