દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવના મંદિરે શિવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર ખાતે વેદોક્ત મંત્રોચ્ચાર, અષ્ટાધ્યાયી, રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી મંદિર સતત ભક્તિભાવથી ગુંજતું રહેશે. શિવરાત્રિની રાત્રે ચારેય પ્રહરની મહાઆરતી કરવામાં આવશે તેમજ નૂતન ધ્વજારોહણ, પાલખીયાત્રા સહિતના કાયક્રમો યોજાવામાં આવશે.
આ ઉપરાંત ભક્તોને દર્શન કરવામાં તકલીફ ના પડે એ માટે મહાશિવરાત્રિ પર્વ પર સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે.સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી અગ્રેસર ગણાતા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ ઉત્સવ ધામધૂમથી ઊજવાશે. આ તકે વહેલી સવારે ચાર વાગ્યે મંદિર ખૂલી જશે અને છેક બીજા દિવસે રાતના દસ વાગ્યા સુધી કુલ 42 કલાક ખુલ્લું રહેશે, જેથી દર્શનાર્થીઓને અગવડ ન રહે.