દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક ફેક્ટરી પર દરોડા દરમિયાન LED બલ્બના કારખાનામાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એન્ટાસિડની નકલી દવાઓ બનાવીને બજારમાં વેચાતી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ ફેક્ટરી અને વેરહાઉસમાંથી 1 કરોડ 10 લાખ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી છે.
આ ફેક્ટરીમાં નામાંકિત કંપનીઓની નકલી દવાઓ મોટા પાયે બનાવવામાં આવતી હતી. દવા વિભાગની ટીમે લાખો રૂપિયાની નકલી દવાઓ બનાવવાના સાધનો તેમજ નકલી દવાઓ બનાવવા માટેનો કાચા માલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. દવા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નકલી દવાઓ જે લોકો સ્વાસ્થ્ય લાભ માટે લઈ રહ્યા હતા, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ગાઝિયાબાદમાં દવા વિભાગને એક ફેક્ટરીમાં નકલી દવાઓ બનાવવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ 4 માર્ચથી એક મોટા સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન ગાઝિયાબાદ ડ્રગ્સ વિભાગ, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજેન્દ્ર નગર વિસ્તારમાં નકલી દવાની ફેક્ટરી ચાલતી પકડાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિજય ચૌહાણ નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હતો, પોલીસે તેની ધરપકડ કરી છે.