ઓસ્ટ્રેલિયામાં ગયા અઠવાડિયે ભારતીય મહિલા ચૈતન્ય શ્વેતા મધાગનીની હત્યાનો ભેદ ઉકેલાય તેમ લાગે છે. પીટીઆઈના અહેવાલ મુજબ હત્યાનો આરોપી શ્વેતાનો પતિ અશોક રાજ વારિકુપ્પલા જ છે. હત્યા બાદ તે હૈદરાબાદ પાછો ફર્યો. તે તેના સાસરે ગયો હતો અને તેના ત્રણ વર્ષના પુત્રને તેના સાસરિયાઓને સોંપી ફરાર થઈ ગયો હતો.
હૈદરાબાદના ઉપ્પલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય બંદારી લક્ષ્મા રેડ્ડીને ટાંકીને અહેવાલમાં આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. ધારાસભ્યના જણાવ્યા અનુસાર, શ્વેતાના માતા-પિતાએ તેમને કહ્યું કે જ્યારે અશોક તેમના પુત્ર આર્યને સોંપવા આવ્યો ત્યારે તેણે તેની પત્નીની હત્યાની પણ કબૂલાત કરી હતી.વિક્ટોરિયા રાજ્યના બકલે વિસ્તારમાં આવેલા આ ઘરમાં શ્વેતા અને અશોક તેમના ત્રણ વર્ષના પુત્ર આર્ય સાથે રહેતા હતા. અહીંથી 82 કિલોમીટર દૂર શ્વેતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયન અખબાર ‘ધ હેરાલ્ડ સન’ના અહેવાલ મુજબ શ્વેતાની હત્યા 5 થી 7 માર્ચની વચ્ચે થઈ હોવાની આશંકા છે. સ્કાય ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે કે અશોકે ઓસ્ટ્રેલિયામાં હાજર પડોશીઓ અને તેના કેટલાક સંબંધીઓને ફોન કરીને શ્વેતા વિશે માહિતી મેળવી હતી. બાદમાં અશોકે પોલીસ સાથે ફોન પર વાત કરી અને તપાસમાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું.