આસામમાં નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2019 (CAA) વિરૂદ્ધ વિરોધ થઇ રહ્યો છે. આસામમાં કેન્દ્ર સરકારની ટિકા થઇ રહી છે. અખિલ આસામ વિદ્યાર્થી સંઘ (આસૂ) અને 30 સંગઠનોએ ગુવાહાટી, બારપેટા, લખીમપુર, નલબાડી, દિબ્રુગઢ અને તેજપુર સહિત રાજ્યના વિવિધ ભાગમાં કાયદા CAAની કોપી સળગાવી હતી. આસામમાં 16 પક્ષોએ સંયુક્ત વિપક્ષ (યૂઓએફએ)એ તબક્કાવાર આંદોલન હેઠળ મંગળવારે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
અખિલ આસામ વિદ્યાર્થી સંઘ (આસૂ)એ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લાગુ કર્યા બાદ રાજ્યમાં મોટા પાયે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આસૂના મુખ્ય સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્યએ કહ્યું કે અમે દરેક જિલ્લામાં CAAની કોપી સળગાવવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન (NESO) તરફથી વિસ્તારના તમામ રાજ્યના પાટનગરમાં CAAની કોપી સળગાવવામાં આવશે.
આસામના તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે લગભગ તમામ કસ્બાના મુખ્ય માર્ગો પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે જ્યા ડિસેમ્બર 2019માં અધિનિયમ પસાર થયા દરમિયાન વ્યાપક વિરોધ પ્રદર્શન થયું હતું. આસૂના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્યએ કહ્યું, ‘અમે CAA વિરૂદ્ધ પોતાનું અહિંસક, શાંતિપૂર્ણ, લોકતાંત્રિક આંદોલન ચાલુ રાખીશું.સાથે જ પોતાની કાયદાકીય લડાઇ પણ ચાલુ રાખીશું’