રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતાને મંજૂરી આપી દીધી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા સાઇટ X પર આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે, રાજ્યના તમામ લોકો માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે કે, ઉત્તરાખંડ વિધાનસભામાં અમારી સરકાર દ્વારા પસાર કરાયેલ સમાન નાગરિક સંહિતા બિલને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ પછી ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે જ્યાં UCC લાગુ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા કાયદાના અમલીકરણથી તમામ નાગરિકોને સમાન અધિકાર મળવાની સાથે જ મહિલાઓ પર થતા અત્યાચાર પણ અંકુશમાં આવશે.રાજ્યમાં સામાજિક સમાનતાના મહત્વને સાબિત કરીને #UniformCivilCode સંવાદિતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સીએમએ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ અમારી સરકાર નાગરિકોના હિતોનું રક્ષણ કરવા અને ઉત્તરાખંડને મૂળ સ્વરૂપમાં બનાવી રાખવા માટે સંકલ્પબદ્ધ છે. જણાવી દઈએ કે 7 ફેબ્રુઆરીએ યુસીસી બીલ ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર કરાયો હતો રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે ગેઝેટ પણ બહાર પાડ્યું છે. ગેઝેટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના બંધારણની કલમ 201 હેઠળ, માનનીય રાષ્ટ્રપતિએ ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ ‘સમાન નાગરિક સંહિતા’, ઉત્તરાખંડ 2024 વિધેયક પર 11મી માર્ચ, 2024 ના રોજ સંમતિ આપી હતી અને ઉત્તરાખંડના અધિનિયમ નંબર 03, વર્ષ 2024 તરીકે સામાન્ય જનતાની માહિતી માટે આ સૂચના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.