કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સંકેત આપ્યો કે પાર્ટી પાસે પૈસાની તંગી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જે બેંક ખાતાઓમાં લોકોએ આપેલું દાન જમા કરાવ્યું હતું તે કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધા છે અને આવકવેરા વિભાગે પાર્ટી પર ભારે દંડ ફટકાર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ખડગેએ લોકોને આગામી લોકસભા ચૂંટણીમાં દેશમાં બંધારણ અને લોકશાહીને “બચાવ” કરવા અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા માટે મજબૂતીથી એકસાથે ઊભા રહેવાનું આહ્વાન કર્યું.
ખડગેએ ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ભાજપે આવકવેરા વિભાગની મદદ લીધી હતી અને કોંગ્રેસના ખાતાઓ સ્થગિત કર્યા હતા અને દંડ લાદ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ભાજપ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા હજારો કરોડ રૂપિયાનો ખુલાસો કરવા તૈયાર નથી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “તે અમારી પાર્ટીના પૈસા હતા જે તમે લોકોએ દાન તરીકે આપ્યા હતા, તેઓએ તેને ફ્રીઝ કરી અને અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી… જ્યારે, તેઓ (ભાજપ) ચૂંટણી બોન્ડ વિશે માહિતી જાહેર નથી કરી રહ્યા.