ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં પોલીસે વધુ ત્રણ શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ક્ષિતિષ પાંડે, જિતેન્દ્ર પટેલ, સાહિલ દૂધતીઉઆ નામના યુવકની અટકાયત કરી છે. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે બે યુવકની અયકાયત કરી હતી. અત્યારસુધી કુલ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી. જોકે કોર્ટે સુઓમોટો લેવા ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે. જ્યારે કુલપતી નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિ ન કરી શકાય.
નીરજા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે નમાઝ કે અન્ય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક જગ્યાએ કે રૂમમાં જ કરી શકાશે. જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિઓ ન કરી શકાય. ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાય છે ત્યાં પગલાં લેવામાં આવ્યાં છે. સ્ટાફની બદલી કરવામાં આવી છે. સિક્યોરિટીમા અમને ખોટ દેખાય છે એમાં અમે વધારો કર્યો છે. NRI હોસ્ટેલ બે વર્ષથી બનીને તૈયાર છે ફાયર સેફ્ટીના અભાવે એમાં વિદ્યાર્થીઓને જગ્યા ફાળવાઈ ન હતી.