વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ- મેઇલ દ્વારા પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્ય પદ પરથી રાજીનામું કહી શકાય નહીં. હાલ અધ્યક્ષને રુબરું રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નથી. જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમાં મોટા કરાતા હોવાનો કેતન ઈનામદારનો આરોપ છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું.
કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, મારું રાજીનામું પ્રેશર ટેકનિક નથી. પાર્ટીને અમારે ફોલોકરવી પડે. અમે પાર્ટીના કાર્યકર્તા છે. તેમ છતાં જૂના કાર્યકરોને ધ્યાનમાં રાખવામાં કંઇક કંઇક જગ્યાએ કચાશ રાખવામાં આવી છે. મને પોતાને આવુ લાગ્યું છે. ઘણી વખત આવી રીતે બધે જ રજૂઆતો કરી છે. મને પોતાને એવુ લાગ્યું કે, સત્તા માટે લોકો રાજકારણમાં આવતા હોય, એવો લોકોના મગજમાં ભ્રમ છે. દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો. વર્ષ-2012ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યો ત્યારથી લઇને આજ દિવસ સુધી હું સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છું.
ભાજપના રાજકારણમાં હું સક્રિય થયો ત્યારથી હું એક પણ વખત ભાજપના સિમ્બોલ સિવાય અને પબ્લિકના મેન્ડેટ સિવાય ચૂંટણી લડ્યો નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે, માન- સન્માન, આત્મસન્માનથી વધારે કંઇ હોતું નથી. આ કોઇ માત્ર કેતન ઇનામદારનો અવાજ નથી. આ અવાજ ભાજપના દરેક કાર્યકર્તાઓનો છે. ભલે કેતન નિમિત્ત માત્ર બન્યો છે. આજે હું બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ના થાય. પાર્ટીને મોટી કરો, પાર્ટીનો વ્યાપ વધારો, હંમેશા પરિવારને મોટો જ કરવો જોઇએ.