લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જેને પગલે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બન્ને હાલ ચૂંટણી માટે તૈયાર થઇ ગયા છે. એવામાં એક અનુમાન છે કે ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી વિશ્વની તમામ ચૂંટણીઓ કરતા સૌથી ખર્ચાળ સાબિત થશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પાછળ આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી શકે છે. જે અગાઉની લોકસભાની ચૂંટણી કરતા બમણા હશે.
સેંટર ફોર મીડિયા સ્ટડીઝ તેમજ એડીઆર દ્વારા લોકસભાની ચૂંટણી પાછળ વિવિધ રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ દ્વારા થનારા અનુમાનિત ખર્ચના આંકડા જાહેર કર્યા છે. મીડિયા સ્ટડીઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જો આટલો ખર્ચો થશે તો ભારતની આ ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ સાબિત થશે. એટલુ જ નહીં પાંચ વર્ષમાં ચૂંટણી પાછળનો ખર્ચો બમણો થવા જઇ રહ્યો છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પાછળ ૬૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોવાનું અનુમાન સામે આવ્યું હતું. જ્યારે ૨૦૧૪માં આ આંકડો ૩૦ હજાર કરોડ રૂપિયા હતો. એટલે કે દર પાંચ વર્ષે ખર્ચનો આંકડો બમણી ગતિએ આગળ વધી રહ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કરાવવાનો તમામ ખર્ચો સરકારો ઉઠાવતી હોય છે. લોકસભાની ચૂંટણીનો ખર્ચો કેન્દ્ર સરકાર જ્યારે વિધાનસભાની ચૂંટણીનો ખર્ચો રાજ્ય સરકાર ઉઠાવે છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર દેશમાં પ્રથમ વખત જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે તેનો ખર્ચ માત્ર ૧૦.૪૫ કરોડ રૂપિયા આવ્યો હતો. ૨૦૦૪માં આ આંકડો પ્રથમ વખત એક હજાર કરોડ રૂપિયાને પાર પહોંચ્યો હતો. તે સમયે ૧૦૧૬ કરોડ રૂપિયા ખર્ચ કરાયો હતો. બાદમાં ૨૦૦૯માં આ રકમ ૧૧૧૫ કરોડ રૂપિયા પર પહોંચી હતી. તેથી ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન કોઇ મોટા ફેરફાર ખર્ચામાં જોવા નહોતા મળ્યા. પણ ૨૦૧૪ બાદ લોકસભાની ચૂંટણી પાછળ થતો ખર્ચો બમણી ગતિએ વધી રહ્યો છે.
આ વખતની લોકસભાની ચૂંટણીમાં આશરે ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનુ અનુમાન છે, જેમાં ચૂંટણી પંચના ખર્ચનો હિસ્સો માત્ર ૨૦ ટકા જ હશે, બાકીના ૮૦ ટકા રાજકીય પક્ષો દ્વારા ખર્ચો થવાનું અનુમાન છે. નોંધનીય છે કે ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપવાની યોજના ચલાવાય છે. જેની પાછળ ત્રણ મહિને આશરે ૪૬ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. તેથી લોકસભાની ચૂંટણીમાં જેટલી રકમનો ખર્ચો થવાનું અનુમાન છે એટલી રકમથી દેશના ૮૦ કરોડ ગરીબોને આઠ મહિના સુધી મફત અનાજ આપી શકાય.