સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈઓ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો. બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંબંધીના જણાવ્યા અનુસાર બન્ને ભાઈએ હોમલોન લીધી હતી.
મૃતકો હિરેન ચંદુભાઈ સુતરિયા, પરીક્ષિત ચંદુભાઈ સુતરિયાના સંબંધી મનિષભાઈએ જણાવ્યું હતું કે, બન્ને ભાઈએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી. રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં તેમના ઘરે જ આ પગલું ભરી લીધું હતું. પરિવારમાં બન્ને ભાઈની પત્ની અને તેની માતા છે. ફોન આવ્યો ત્યારે મન નથી માનતું, મગજ હા નથી પાડતો કે, આ લોકો આવું પગલું ભરી શકે. કારણ તો એ બન્ને ભાઈ જ જાણતા હતા. આર્થિક સંકડામણનું કારણ હોય એવું કઈ કહી શકું નહીં. બન્ને ભાઈ પર હોમલોન હતી એ મને ખબર છે. બન્ને ભાઈ હીરાની બે અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. તેઓને છૂટા કરી દીધા એવું પણ નથી. બન્ને ભાઈ હીરાનું કામ કરી રહ્યા હતા.
અમરોલી વિસ્તારમાં રહી બન્ને ભાઈ હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લોનના હપ્તા નહીં ભરાતા બન્નેએ આપઘાત કરવાનું પગલું ભર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને પગલે અમરોલી પોલીસ દોડી ગઈ હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.