સોશિયલ મીડિયા વાપરતા હોય તો સાવધાન થઈ જજો. અત્યારે સાયબર ઠગો ખૂબ જ એક્ટિવ છે. પાર્ટ ટાઇમ જોબ અને ઇન્વેસ્ટમેન્ટ માટેના ટાસ્ક આપીને 30 ઘણો નફો કમાવવાની લાલચ આપશે અને પછી તમારી પાસેથી લાખો-કરોડો રૂપિયા પડાવી લેશે. તમે રૂપિયા લાખો રૂપિયા કમાયા હોવાનું તમારા વોલેટમાં દેખાશે પણ ખરું. પરંતુ, તે રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં કરી શકો અને મોડે મોડે તમે છેતરાઈ ગયા હોવાની તમને ખબર પડશે. વડોદરા શહેરમાં દર મહિને 60 જેટલા લોકો ટાસ્ક ફ્રોડ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસની મદદ લે છે.
સાઇબર ગઠિયાઓ તમને સોશિયલ મીડિયા મારફતે પાર્ટટાઈમ જોબ અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના મેસેજ મોકલે છે, જેમાં તમારા દ્વારા સહમતિ આપ્યા બાદ તમને લિંકમાં સબસ્ક્રાઇબ કરવાનું જણાવીને દિવસના 20 ટાસ્ક આપવામાં આવે છે, જેમાં પ્રથમ 16 ટાસ્કના રૂપિયા 50 લેખે તમને મળશે. તેમ જણાવવામાં આવે છે અને અન્ય ચાર ટાસ્ક પ્રિપેડ ટાસ્ક આપવામાં આવે છે. જે ટાસ્ક કરતાં પહેલા તમને તમારા પર્સનલ ડેટા ફીલઅપ કરવાનું કહેવામાં આવે છે અને તમને સેલેરી વેરિફિકેશન કોડ આપવામાં આવે છે. જે કોડ મારફતે તમને 1000, 3000 અને 5,000 રૂપિયાના ટાસ્ક આપવામાં આવે છે અને જેમાં આશરે 40% જેવું વળતર પ્રથમવાર આપવામાં આવે છે. બાદમાં તમને એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવે છે.
તમને ટાસ્ક સમજાવી તમારી બેંક એકાઉન્ટ ડિટેઇલ મેળવી તમારા શરૂઆતના ટાસ્કના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તમને લલચાવીને તમને મોટા ટાસ્ક આપવામાં આવે છે અને તમને એક યુપીઆઈ આઇડી આપી તે ટાસ્કના પૈસા જમા કરવા કહેવામાં આવે છે અને તમને એક વેબસાઈટની લિંક અને ઇન્વિટેશન કોડ આપી તમને ઇ-મેઇલ આઇડી પાસવર્ડ નાખીને આ વેબસાઈટમાં ક્રિપ્ટો ટ્રેડિંગ એકાઉન્ટમાં જોઈન કરવાનું જણાવી સ્ક્રિનશોટ મોકલવાનું જણાવવામાં આવે છે.
તમને ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવા માટેના ટાસ્ક આપવામાં આવે છે. જે ટાસ્કમાં 180 સેકન્ડમાં ટાસ્ક પૂરો કરવાનો હોય છે અને કમ્પલસરી ટાસ્ક પૂર્ણ કરવાનો કહેવામાં આવે છે અને સમય મર્યાદામાં ટાસ્ક પૂર્ણ નહીં કરો તો તમને પૈસા નહીં મળે તેમ જાળ ફસાયેલાને જણાવવામાં આવે છે. એક ટાસ્ક પૂર્ણ કરો પછી બીજા ટાસ્કની રકમ વધારતા જાય છે અને જોતજોતામાં તમે મોટી રકમ ગુમાવી બેસો છો અને તે રકમ તમને પરત આપતા નથી. આમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવે છે.