ગાંધીનગરની ખ્યાતનામ પંડિત દિનદયાળ એનર્જી યૂનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ વહેલી પરોઢિયે ઔરંગાબાદ રહેતી માતા સાથે ટેલીફોનીક વાતચીત કર્યા પછી કોઈ કારણસર ટેરેસનાં ધાબા પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી ગઈ છે. આ બનાવના પગલે હાલમાં ઈન્ફોસિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આપઘાતનું ચોક્ક્સ કારણ જાણવા માટે ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે.
ગાંધીનગરનાં રાયસણ સ્થિત ખ્યાતનામ પંડિત દિનદયાળ એનર્જી યૂનિવર્સિટી(PDEU)ની ગર્લ્સ હોસ્ટેલના ટેરેસ પરથી આજે વહેલી સવારે આશાસ્પદ યુવતીએ પડતું મુકી આપઘાત કરી લીધો છે. મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનાં નગરી બાય પાસ રોડ, મીરાગાંવે, રો હાઉસ નંબર – 11 ખાતે રહેતા ભગવાનભાઈ શંકરભાઈ ગુપ્તેની 20 વર્ષીય દિકરી પાયલ PDEU ખાતે બી. ટેકનો અભ્યાસ કરતી હતી.
શાંત સરળ સ્વાભાવની પાયલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર – H1/101 માં સહ વિદ્યાર્થિની સાથે રહેતી હતી. હોળી ધુળેટીનાં તહેવાર મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા હતા. જો કે, પાયલ પોતાના ઘરે ગઈ ન હતી. આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પાયલે તેની માતા સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. એ વખતે પાયલે બધા વિદ્યાર્થીઓને તહેવાર નિમિત્તે ઘરે ગયા હોવાથી પોતે એકલી હોવાની વાત કરી હતી, પરંતુ પાયલે ઔરંગાબાદ જવાની અનિચ્છા દર્શાવી થોડીક વાતચીત કરીને ફોન મૂકી દીધો હતો.