કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત દ્વારા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પર અભદ્ર પોસ્ટ કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મંડી સીટ પરથી ભાજપની ઉમેદવાર બનાવવામાં આવેલી કંગના રનૌતના પક્ષમાં ભાજપના નેતાઓ કોંગ્રેસ નેતા પર આકરા પ્રહાર કર્યા છે.
અભિનેત્રી કંગના રનૌતને લઈને અભદ્ર પોસ્ટ કરવા પર હવે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ એક્શનમાં આવ્યું છે. NCWનું કહેવું છે અભિનેત્રી કંગના રનૌત વિરૂદ્ધ ટિપ્પણી કરવા બદલ કમિશન કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત સામે ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરશે. આ સમગ્ર મામલે કંગના રનૌતે પણ સુપ્રિયા શ્રીનેત જોરદાર જવાબ આપ્યો છે. કંગનાએ કહ્યું કે દરેક મહિલા તેના સન્માનની હકદાર છે.
દરમિયાન, NCW અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે તેઓ આ અંગે ચૂંટણી પંચનો સંપર્ક કરશે. ભાજપના સભ્ય તજિન્દર બગ્ગા દ્વારા ટ્વિટર પર ઉઠાવવામાં આવેલા મુદ્દાના જવાબમાં શર્માએ લખ્યું, કંગના રનૌત, તમે યોદ્ધા અને ચમકતા સ્ટાર છો. જે લોકો અસુરક્ષિત અનુભવે છે તેઓ ખરાબ કામ કરે છે. આમ જ ચમકતા રહો, મારી શુભકામનાઓ તમારી સાથે છે. તજિન્દર બગ્ગા ચૂંટણી પંચને પત્ર લખી રહ્યા છે.
ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તજિન્દર બગ્ગાએ કહ્યું કે કોંગ્રેસનો મહિલા વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે સુપ્રિયા શ્રીનેતના રાજીનામાની માંગ કરી છે. જો મલ્લિકાર્જુન ખડગેની પાર્ટીમાં કોઈ ભૂમિકા હોય તો તેમણે તરત જ સુપ્રિયાને બરતરફ કરવી જોઈએ. રાહુલ ગાંધીની નજીક માનવામાં આવતી નેતા સુપ્રિયાનો કોંગ્રેસનો નહેરુવીયન ચહેરો બતાવ્યો છે. આ દરમિયાન ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઘૃણાસ્પદ છે. કંગના રનૌત પર શ્રીનેતની આવી ટિપ્પણી ખૂબ જ શરમજનક છે. તેમણે પૂછતા લખ્યું કે, શું પ્રિયંકા ગાંધી આ મામલે કંઈ કહેશે કે પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સુપ્રિયા શ્રીનેતને હટાવશે. હાથરસ લોબી હવે ક્યાં છે? હવે કોંગ્રેસના કેટલાક નેતાઓ અથવા તેની સાથે સહાનુભૂતિ ધરાવતા લોકોએ પણ આ બાબતે પોસ્ટ કરી છે. આ લોકોએ કંગના રનૌતનો એક વીડિયો શેર કર્યો છે જેમાં કંગના રનૌત ઉર્મિલા માતોંડકર વિશે વાંધાજનક ટિપ્પણી કરતી સાંભળી શકાય છે. જો કે આ વીડિયો સાચો છે કે ખોટો તે અંગે કોઈ માહિતી નથી.
શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રનૌત વિશે કથિત વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી, જેને પાછળથી હટાવી દેવામાં આવી હતી. જો કે, સુપ્રિયા શ્રીનેટનું કહેવું છે કે તેમના એકાઉન્ટનો એક્સેસ અન્ય કોઈને ગયો હતો જેના કારણે આ ભૂલ થઈ. શ્રીનાતે દાવો કર્યો છે કે તેણે પોતે આ પોસ્ટ નથી કરી.