ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ એસ તંગદાગીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કર્ણાટકના મંત્રીએ એક જનસભામાં બોલતા કહ્યું કે પીએમ મોદીએ બે કરોડ નોકરીઓનો વાયદો કર્યો હતો. શું તેમણે આપી? તેમણે શરમ આવવી જોઇએ, તેમના જે યુવા સમર્થક ‘મોદી-મોદી’નો નારો લગાવે છે, તેમણે થપ્પડ મારવી જોઇએ.
કર્ણાટકના કોપ્પલ જિલ્લાના કરાતગીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા શિવરાજ એસ તંગદાગીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી બધુ જૂઠના આધાર પર ચલાવવામાં આવ્યું, માટે તેમણે લાગે છે કે તે આગામી પાંચ વર્ષ સુધી મૂરખ બનાવી શકે છે. પીએમ મોદીએ ભારતમાં 100 સ્માર્ટ શહેરોનો વાયદો કર્યો હતો. તે ક્યાં છે? એકનું નામ જણાવો, તે સ્માર્ટ છે, સારા કપડા પહેરે છે, તે સ્માર્ટ ભાષણ આપે છે. તે પોતાનો પહેરવેશ બદલતા રહે છે, પછી તેમનું એક સ્ટંટ સામે આવે છે, તે દરિયાની ઊંડાઇમાં જતા રહે છે અને ત્યાં પૂજા કરે છે. શું એક વડાપ્રધાને આ રીતનું કામ કરવું જોઇએ?
ભાજપ કર્ણાટકના મંત્રીની ટિપ્પણી વિરૂદ્ધ ચૂંટણી પંચ પહોચ્યું છે. ચૂંટણી પંચમાં અરજી કરીને ભાજપે શિવરાજ એસ તંગદાગી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ભાજપે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવતા કોંગ્રેસના મંત્રીને ચૂંટણી પ્રક્રિયા અને કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરતા રોકવામાં આવે તેવી માંગ કરી છે.