લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુની ભીડ સાથે વિજય માટે ધસમસી રહેલા ભાજપે ઉમેદવાર જાહેર કરતા જ હવે એક બાદ એક બેઠક પર સ્પીડબ્રેકર જેવી સ્થિતિ અનુભવવી પડે છે. જેના ખભા પર બેસીને ચુંટણી જીતવાની હતી તેવા કાર્યકર્તાઓને ઉમેદવાર અંગે ભાગ્યે જ પૂછાયુ અને ગાંધીનગર- દિલ્હીમાં ચાર- પાંચ લોકોએ નિર્ણય લઈને ઉમેદવાર જાહેર કર્યા તેમાં બે બેઠકો પર બદલવા પડયા અને કાર્યકર્તાઓની લાગણી-માંગણીને માન આપ્યુ છે તેવા દાવા કરીને પણ કાર્યકર્તાઓને પૂછયા વગર જ નવા ઉમેદવાર મુકતા તેનો પણ વિરોધ શરૂ થયો છે. જે ડામવા અને ઉમેદવારીપત્રક ભરાય તે પુર્વે ઓલ-વેલ કરી દેવા દિલ્હીથી આદેશ છૂટતા જ હવે પક્ષના પ્રચારને થોડી બ્રેક લાગી છે તથા એક બાદ એક બેઠક પર પક્ષમાંજ જે ડેમેજની આશંકા છે ત્યાં બધું ઠીકઠાક કરવાના પ્રયાસો શરૂ થયા છે.