વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાવો કર્યો છે કે કોંગ્રેસે શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ આપ્યો છે. દરેક ભારતીય તેનાથી નારાજ છે. કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં. તેમણે 75 વર્ષમાં ભારતની એકતા અને અખંડિતતાને નબળી પાડી છે. PMએ સોશિયલ મીડિયા પર કચ્છથીવુ પર આરટીઆઈ રિપોર્ટને ટાંકીને આ વાત કહી. RTI રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્દિરા ગાંધીની સરકારે 1974માં શ્રીલંકાને આ ટાપુ ભેટમાં આપ્યો હતો.
તમિલનાડુના બીજેપી ચીફ કે. અન્નામલાઈએ કચ્છથીવુ વિશે માહિતી માંગતી RTI દાખલ કરી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે વર્ષ 1974માં ભારતની તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બંદરનાઈકે વચ્ચે સમજૂતી થઈ હતી. આ અંતર્ગત કચ્છથીવુ ટાપુ શ્રીલંકાને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર ઈન્દિરાએ આ સમજૂતી તમિલનાડુમાં લોકસભા પ્રચારને ધ્યાનમાં રાખીને કરી હતી. 1974માં ઈન્દિરા ગાંધીની સરકારે આ ટાપુ શ્રીલંકાને ભેટમાં આપ્યો હતો. 1974માં બંને દેશો વચ્ચે બે બેઠક થઈ હતી. પહેલી બેઠક 26 જૂને કોલંબોમાં અને બીજી 28 જૂને દિલ્હીમાં થઈ હતી. બંને બેઠકોમાં શ્રીલંકાને ટાપુ આપવા પર સહમતી થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કરારમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી જેમ કે – ભારતીય માછીમારો તેમની જાળ સૂકવવા માટે આ ટાપુ પર જઈ શકશે. ટાપુ પર બનેલા ચર્ચમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી મળશે.
10 ઓગસ્ટ, 2023ના રોજ પીએમ મોદીએ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કચ્છથીવુને લઈને નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ વિપક્ષના લોકો જે સંસદની બહાર ગયા છે, થોડું એમનો પૂછો. આ કચ્છથીવુ ક્યાં છે અને શું છે? ડીએમકેના આ લોકો અને તેમની સરકાર મને પત્ર લખીને મોદીજીને કચ્છથીવુ પરત લાવવા કહે છે. તમિલનાડુથી આગળ અને શ્રીલંકા પાછળનો ટાપુ કોણે અને બીજાને કેમ સોંપ્યો? શું આ વિસ્તાર ભારત માતાનો ભાગ ન હતો? ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની સરકારે પણ તેને ભારતથી અલગ કરવાનું કામ કર્યું.
ટાપુ અંગે ભાજપ-કોંગ્રેસનું નિવેદન
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે વડાપ્રધાનની સમસ્યા એ છે કે તેઓ કોઈપણ આધાર વગર નિવેદનો આપે છે. જો આવી સમજૂતી કરવામાં આવી હોત, તો અમને ખબર પડી હોત કે શું થયું હતું. બીજું વડાપ્રધાન 9 વર્ષ સુધી શું કરતા હતા? તે એવી સ્થિતિમાં છે જ્યાં તેમને આ માહિતી મળી શકે, તો તે અત્યાર સુધી ચૂપ કેમ હતા? આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમિલનાડુમાં ચૂંટણી છે અને તમામ સર્વે બતાવી રહ્યા છે કે તમિલનાડુમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ રહ્યો છે.