લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણી લક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ લેવલ ઓફિસર-BLOના કામમાં ન જોડાતા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. મામલતદારના હુકમ બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શિક્ષિકાને કે.કે.નગર ઘાટલોડિયા પાસે BLOની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે તે જગ્યા પોતાના વિસ્તારની બહાર હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો.
બીજી તરફ શિક્ષિકાના પતિનું કહેવું છે કે, મહિલાને BLOની કામગીરી સોંપાઈ હતી. ગુજરાત ચૂંટણી પંચનો પત્ર છે કે કોઈ મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ BLOની કામગીરી સોંપવી. મહિલાને ગમે ત્યાં કામગીરી ન સોંપવી. જ્યાં તેમનો મત વિસ્તાર છે ત્યાં જ મુકવી. તેથી અમે ચૂંટણી પંચના પત્રને જોડીને રજૂઆત કરી હતી કે અમને આ કામગીરી ન આપો. અને જો કામગીરી આપો તો અમારા મત વિસ્તારમાં જ આપો. તેમ છતા તેમણે દૂરના સ્થળે કામગીરી આપી છે. જેને લઈને અમે આ કામગીરીનો અસ્વીકાર કર્યો છે. આખા ગુજરાતમાં આ પહેલો કેસ છે, જ્યારે મહિલા શિક્ષિકાની ધરપકડ કરાઈ છે. અમે લેખિતમાં આધાર પૂરાવા સાથે રજૂઆત કરી છે. આ બાબતને અમે સંઘમાં રજૂઆત કરીશું અને જો કોર્ટ જવાની જરૂર પડે તો પણ અમે જઈશું.