ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ક્ષત્રિય આગેવાનો જેઓ ભાજપના નેતાઓ છે તેમની વચ્ચે ગઈકાલે થયેલી બેઠક બાદ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળશે. ત્યારબાદ ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે, જેમાં રૂપાલા અંગેના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે.
અમદાવાદના ગોતા-ઓગણજ રોડ ઉપર રાજપૂત સમાજનું ભવન આવેલું છે. રાજપૂત સમાજના તમામ કાર્યક્રમો અને મિટિંગ વગેરે આ ભવન ઉપર યોજાતી હોય છે. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા એવા મુદ્દા અંગે ગોતા રાજપૂત ભવન ખાતે મહત્વની બેઠક મળશે.
બપોરે ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનોની બેઠક બાદ ગુજરાતની 92 રાજપુત સંસ્થાઓના પ્રતિનિધિઓની આવતીકાલે ગુરુવારે બેઠક મળશે અને જેમાં ભાજપના આગેવાનો સાથે થયેલી ચર્ચા-વિચારણા બાબતે 92 સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. જેથી હજી સુધી આવતીકાલ સુધીમાં આ વિવાદ પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા નથી.