દિલ્હી હાઈકોર્ટમાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થશે. કેજરીવાલે લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડના નિર્ણયને પડકાર્યો છે. તેમણે 23 માર્ચે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટે આ મામલે EDને નોટિસ પાઠવી હતી અને 2 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો હતો. EDએ 2 એપ્રિલની સાંજે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. જેમાં એજન્સીએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ કેજરીવાલ દ્વારા મની લોન્ડરિંગ કર્યું. ED અનુસાર, AAPને દિલ્હી લિકર પોલિસી કેસના પૈસાથી સૌથી વધુ ફાયદો થયો છે. ગોવા વિધાનસભા ચૂંટણી 2022માં પાર્ટીએ લિકર પોલિસી કેસમાં લગભગ 45 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેઓએ કેજરીવાલને નવ સમન્સ મોકલ્યા હતા અને કેસની તપાસમાં સહયોગ કરવાની ઘણી તકો આપી હતી. જોકે, કેજરીવાલે જાણીજોઈને એજન્સીના આદેશનું પાલન કર્યું ન હતું. દરેક વખતે તેમણે કોઈ ને કોઈ બહાનું કાઢ્યું અને તપાસમાં જોડાયા નહીં.