ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકૉપ્ટરનું લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉતાર-ચઢાવ ધરાવતા વિસ્તાર અને વધુ ઉંચાઇને કારણે હેલિકૉપ્ટરને નુકસાન થયું છે. જોકે, તેમાં સવાર બન્ને પાયલોટ સુરક્ષિત છે. વાયુસેનાએ આ જાણકારી આપી છે.
વાયુસેનાએ ઘટનાના કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે. IAFએ કહ્યું, ‘IAFના અપાચે હેલિકૉપ્ટરે 3 એપ્રિલે લદ્દાખમાં એક ટ્રેનિંગ દરમિયાન ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન ઉતાર-ચઢાવ ધરાવતા વિસ્તાર અને ઉચ્ચ ઉંચાઇને કારણે તેને નુકસાન થયું છે, વિમાનમાં સવાર બન્ને પાયલોટ સુરક્ષિત છે અને તેમણે નજીકના એરબેસ પર લઇ જવામાં આવ્યા છે. કારણ શોધવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.’