લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના ત્રણ ઉમેદવારોનાં નામ છે. સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે.
સુરેન્દ્રનગર સીટ પરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જશપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતાર્યા છે. ઋત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ સીટ માટે જાહેર કરાયેલા હીરાભાઈ જોટવાએ ગઈ વિધાનસભા ચૂંટણીમાં કેશોદ સીટ પરથી ઝંપલાવ્યું હતું. જેમાં તેમનો માત્ર 4208 મતથી પરાજય થયો હતો.
આ ઉપરાંત વડોદરા સીટ પર જાહેર થયેલા ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર પણ ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પાદરા સીટ પર તેમની ભાજપ સામે 6,178 મતથી હાર થઈ હતી. આ તરફ રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. જેમાં હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે તેવી પણ ચર્ચા છે.