હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જે અનુસાર ચોથા અને પાંચમા દિવસે કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અગાઉ હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમા મોટાભાગના જિલ્લાનું તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી તાપમાન વધુ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી તે અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ બાદ બીજા સપ્તાહથી સીધા કિરણો જમીન પર પડતાં ગરમીનો અનુભવ વધુ પ્રમાણમાં થાય તેવી શક્યતા છે.
કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયું વાદળછાયું વાતાવરણ અનુભવાશે. ત્યારબાદ ચોથા અને પાંચમા દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી પણ શકે છે. એક સપ્તાહ સુધી કોઈ પણ સ્થળે હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી.
ઉત્તર અને દક્ષિણ તરફના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ઝડપી રહેશે
ગુજરાત રાજ્યના ઉત્તર અને દક્ષિણ તરફના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ઝડપી રહેશે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે, કચ્છના અખાત તરફ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી જ્યારે ખંભાતના અખાતમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. ગુજરાતના મેદાની પ્રદેશ ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાવાને કારણે આગામી ત્રણ દિવસ હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાનનો પારો વધતા ગરમીનો અનુભવ થશે.