યોગી સરકારે રાજ્યના તમામ 16 હજાર મદરેસાની માન્યતા નાબૂદ કરી છે. રાજ્યના 16 હજાર મદરેસામાં કુલ 13.57 લાખ વિદ્યાર્થીઓ છે. કુલ મદરેસાઓમાંથી 560 સબસિડીવાળી મદરેસાઓ છે જ્યાં 9500 શિક્ષકો કામ કરી રહ્યા છે. યુપીના અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે હાઈકોર્ટના નિર્ણયને મદરસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ પડકાર્યો છે, જેના પર શુક્રવારે સુનાવણી થવાની છે. સરકાર ત્યાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરશે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના નિર્ણય બાદ હવે ઉત્તર પ્રદેશમાં તમામ મદરેસાઓની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે. ધોરણોને પૂર્ણ કરતી મદ્રેસાઓ હવે UP બોર્ડ, CBSE અથવા ICSE પાસેથી માન્યતા લઈને પ્રાથમિક અથવા માધ્યમિક શાળાઓની તર્જ પર કામ કરી શકશે. જે મદરેસાઓ ધોરણોને પૂર્ણ કરતા નથી તેમને કોઈપણ બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં અને તેનું સંચાલન બંધ થઈ જશે. આ મદરેસાઓમાં ભણતા બાળકોને સરકારી પ્રાથમિક અથવા માધ્યમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે.
આ માટે સરકારે દરેક જિલ્લામાં ડીએમની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી આવા બાળકોને ખાનગી શાળાઓમાં પણ પ્રવેશ આપવા માટે સૂચનાઓ જારી કરી શકે છે. આ પછી પણ જો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાથી વંચિત રહેશે તો કમિટી સ્થાનિક કક્ષાએ બેઠકોની સંખ્યા વધારવા અને નવી શાળાઓ સ્થાપવાની કામગીરી પણ કરશે.22 માર્ચે હાઈકોર્ટની લખનૌ બેન્ચે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ અધિનિયમ-2004ને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી દીધો હતો. ગુરુવારે મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ જિલ્લા મેજિસ્ટ્રેટને આ આદેશનું પાલન કરવા સૂચના આપી છે.