વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું હતું. આને લઈને દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરવા માટે હાઈ કોર્ટે વિપક્ષી ગઠબંધન પાસે જવાબ માગ્યો હતો, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ ન આવતાં આખરે દિલ્હી હાઈ કોર્ટે વિપક્ષી પાર્ટીઓ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને કહ્યું છે કે આ અંતિમ મુદત આપવામાં આવી રહી છે. દિલ્હી હાઈ કોર્ટે વિપક્ષી પાર્ટીઓ પાસેથી સાત દિવસમાં જવાબ માગ્યો છે અને આ પિટિશનની સુનાવણી 10મી એપ્રિલે નિર્ધારિત કરી છે.
દિલ્હી હાઈ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોડાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે. ગિરિશ ભારદ્વાજ નામની વ્યક્તિ દ્વારા વિપક્ષી ગઠબંધન દ્વારા ઈન્ડિયા નામ રાખવામાં આવ્યું તેની સામે પિટિશન કરવામાં આવી હતી. પોતાની પિટિશનમાં એવી માગણી કરી હતી કે વિપક્ષી પાર્ટીઓને I.N.D.I.A. નામનો ઉપયોગ કરતાં રોકવામાં આવે કેમ કે આ પાર્ટીઓ દેશના નામનો ગેરલાભ ઉઠાવી રહી છે.
તેમણે હાઈ કોર્ટને એવી વિનંતી કરી હતી કે 19 એપ્રિલે મતદાનનો પહેલો તબક્કો છે તેથી સુનાવણી વહેલી કરવામાં આવે, જોકે અદાલતે આ વિનંતી નકારી કાઢી હતી.