બિગ-હિટર્સ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચને જાણે વન-સાઇડ ટ્રાફિક જેવી બનાવી દીધી હતી. પૅટ કમિન્સની આ ટીમે છ વિકેટે આસાનીથી વિજય મેળવીને ગાડી પાછી પાટા પર લાવીને ટોચની ટીમો (કોલકાતા, રાજસ્થાન)ને ચેતવી દીધી હતી. હૈદરાબાદ ટૉપ-ફાઇવમાં છે અને એણે થોડા દિવસ પહેલાં મુંબઈ સામે આઇપીએલના હાઈએસ્ટ ટીમ-સ્કોર (277/3) સાથે હલચલ મચાવી દીધા પછી હવે ચેન્નઈ સામેની મૅચથી બોલિંગમાં પણ ક્ષમતા બતાવી દીધી છે.
ચેન્નઈએ આપેલો 166 રનનો લક્ષ્યાંક હૈદરાબાદે 18.1 ઓવરમાં માત્ર ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. એમાં એઇડન માર્કરમ (50 રન, 36 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરીએ વિજય સરળ બનાવી દીધો હતો. એક જીવતદાન મેળવનાર ટ્રેવિસ હેડ (31 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને આક્રમક મૂડમાં રમેલા સાથી ઓપનર અભિષેક શર્મા (37 રન, 12 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 46 રનની જે ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી એમાં 37 રન અભિષેકના હતા. હવે ચેન્નઈ સોમવારે ઘરઆંગણે કોલકાતા સામે અને હૈદરાબાદ મંગળવારે મુલ્લાનપુરમાં પંજાબ સામે રમશે.