યુપીમાં રામ મંદિર પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે. પ્રવાસીઓની સંખ્યાના સંદર્ભમાં હવે રામ મંદિરે તાજમહેલને પાછળ છોડી દીધું છે. કમાણીનું પણ કંઈક આવું જ છે. હવે પ્રવાસીઓની પહેલી પસંદ તાજમહેલ નહીં પરંતુ કાશી વિશ્વનાથ અને રામ મંદિર છે. પ્રવાસન વિભાગના આંકડા આ વાતની સાક્ષી પૂરે છે. ગત વર્ષે કાશી બાદ સૌથી વધુ લોકો અયોધ્યા પહોંચ્યા હતા.
મંદિર-મસ્જિદ વિવાદને કારણે વર્ષોથી વિવાદમાં રહેલ અયોધ્યા હવે ધાર્મિક પર્યટનનું હબ બની ગયું છે. રામનગરીના સર્વાંગી વિકાસ માટે 34 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ આકાર લઈ રહ્યા છે. સુવિધાઓ વધી હોવાથી રામનગરીમાં પ્રવાસન પણ વધ્યું છે.કોરિડોરે કાશીનો અને રામ મંદિરે અયોધ્યાનો ચહેરો બદલી નાખ્યો છે.સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. દીપોત્સવ જેવા કાર્યક્રમોએ અયોધ્યાને વૈશ્ર્વિક ઓળખ અપાવી છે.
આગ્રામાં જ્યાં દર વર્ષે 90 લાખથી એક કરોડ લોકો ત્યાં પહોંચી રહ્યા છે, હાલ પાંચ કરોડથી વધુ લોકો અયોધ્યા અને કાશી પહોંચી રહ્યા છે. રામ મંદિરે કમાણીના મામલામાં તાજમહેલને પણ પાછળ છોડી દીધું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડેટા અનુસાર, તાજમહેલને વર્ષ 2022માં ટિકિટના વેચાણથી 25,61,73,145 રૂપિયાની આવક મળી હતી, જ્યારે 2021માં 9,53,41,75 રૂપિયા. બીજી તરફ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાનું કહેવું છે કે, બે મહિનામાં જ રામ લલ્લાને લગભગ 15 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ ઉપરાંત સોનું, ચાંદી અને અન્ય ધાતુઓ પણ મોટી માત્રામાં મળી રહી છે.