પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની સંડોવણી હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જેને લઈને ભરત બોઘરાએ સ્પષ્ટતા કરી હતી.
તેમણે જણાવ્યું કે, મારા સહિત ભાજપના તમામ કાર્યકરો નિર્દોષ છે. અને સૌકોઈ પોતાને સોંપેલી જવાબદારી મુજબ કામ કરી રહ્યા છે. જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મારી કોઈ ભૂમિકા સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ. આ વાત ભાજપની પ્રગતિ જોઈ ન શકતા વિઘ્નસંતોષીઓ દ્વારા ફેલાવવામાં આવી છે. હકીકતમાં આવી કોઈ જ વાતમાં તથ્ય નથી.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, વિરોધપક્ષના લોકો અને હિતક્ષત્રુઓ ખોટી રીતે નામ ઉછાળી રહ્યા છે. મને કોઇ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી. અમારા એકપણ કાર્યકર્તાએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું નથી. મારી કોઇ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.