ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસખંડના ઉંચકોટ વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં કુલ 8 લોકોના મોત થયા છે. બેતાલઘાટ બ્લોકના ઉંચકોટના મલ્લગાંવમાં મોડી રાત્રે 11 લોકોને ટનકપુર લઈ જતી કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સરકારી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જો કે અંધારાના કારણે રેસ્ક્યુમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ તમામ મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.