છીપવાડમાં કબાબ સમોસાના નામે ગૌમાંસના સમોસા વેચવાનું કૌભાંડ ઝડપાયા બાદ એસઓજી અને પાલિકાના ફૂડ વિભાગે મંગળવારે વિવિધ વિસ્તારની 23 દુકાનો-લારીઓમાં ઘનિષ્ઠ ચેકિંગ કર્યું હતું. ટીમે 10 કિલો અખાદ્ય કબાબ સમોસા સહિત 285 કિલોના જથ્થાનો નાશ કર્યો હતો. બીજી તરફ પોલીસે અત્યાર સુધી શહેરના 6 અને ઉમરેઠ સ્થિત ભાલેજના 1 શખ્સ મળી 7ની ધરપકડ કરી પૂછતાછ કરતાં ગૌમાંસના સમોસાની ફ્રેન્ચાઇઝી સુરત અને નડિયાદમાં હોવાનું જણાતાં રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં માત્ર શહેરમાં વર્ષે 80 લાખના ગૌમાંસના સમોસાનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.
છીપવાડ ચાબુક સવાર મહોલ્લા પાસે રહેતો શખ્સ મોહંમદ યુસુફ ફકીર મોહંમદ શેખ કબાબ સમોસાના નામે ગૌમાંસ સહિત ગૌવંશમાંથી બનાવેલા કાચા સમોસા વેચતો હોવાની બાતમી મળતાં શનિવારે ડીસીપી ઝોન-4ની ટીમે દરોડો પાડી 61 કિલો ગૌમાંસના સમોસા ઝડપ્યા હતા. પોલીસે વેપારી સહિત 6ની ધરપકડ બાદ પૂછતાછ કરી હતી. જેમાં ભાલેજનો ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશી સપ્લાય કરતો હોવાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરાઇ હતી.
પૂછપરછમાં ટોળકી રોજના ગૌમાંસના 50 કિલો કાચા સમોસા વેચતી હતી. રમઝાનમાં તો વેચાણ 100 કિલો સુધી પહોંચતું હતું. આ સમોસા રૂા. 450ના કિલોના ભાવે વેચતા હતા અને ઘરમાં નાની ઓરડી જેટલા ડીપ ફ્રીજમાં સ્ટોરેજ કરતા હતા. જ્યારે આણંદના પણ એક શખ્સની સંડોવણી ખૂલતાં ટોળકીનું રાજ્યવ્યાપી નેટવર્ક હોવાનો ઘટસ્ફોટ થયો છે.