છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલ તાલિબાન ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં સતત પહેલ કરી રહ્યું છે. તાજેતરની પહેલ મુજબ, તાલિબાન અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લઘુમતીઓને તેમની જમીન પરત કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત અગાઉની સરકાર દરમિયાન તેમની જમીન તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી.
આ બાબતે તાલિબાનના એક અધિકારીએ કહ્યું, “આ પહેલ અફઘાનિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.” અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી હિંદુઓ અને શીખો વિસ્થાપિત થઈ રહ્યા છે. ત્યાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
ભારતીય અધિકારીઓ આ ઘટનાક્રમને તાલિબાન તરફથી ભારત તરફના સકારાત્મક સંકેત તરીકે જુએ છે. હિન્દુ અને શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સંસદના સભ્ય નરેન્દ્ર સિંહ ખાલસા તાજેતરમાં કેનેડાથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે.