સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં ચૂર કારચાલક જિતેન્દ્ર માલવિયાએ રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત 8 વર્ષના બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી કારચાલક સહિત બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીંચી નશો કરી મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવ્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જોકે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, સરથાણા જકાતનાકા પાસે રહેતા 65 વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા મંગળવારે સાંજે સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતા હતા તે વખતે નશામાં ચૂર કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં કારચાલકે વૃદ્ધ ગૌરીબેન, રિક્ષા અને બાઈક સહિત પાંચને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે વૃદ્ધા અને 8 વર્ષીય બાહુ રવજી રાજપુતિયાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે ગૌરીબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે.