લોકસભા ચૂંટણી અગાઉ એક પછી એક નેતાઓ કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે. ત્યારે વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. સુરેન્દ્રનગરના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપ્યું છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સોમાભાઈ પટેલે ચૂંટણી લડવાની તૈયારી દેખાડી હતી. જોકે, કોંગ્રેસે આ બેઠક પરથી ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. પરિણામે લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ટિકિટ ના મળતા સોમાભાઈ પાર્ટીથી નારાજ હતા. ત્યારે આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે.
સોમાભાઈ પટેલે રાજીનામામાં લખ્યું કે, ‘હું કોળી સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર અને પૂર્વ ધારાસભ્ય લીંબડી. મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. મહત્ત્વનું છે કે, આ રાજીનામાનો પત્ર શક્તિસિંહ ગોહિલ સહિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદ સોલંકીને પણ મોકલ્યો છે.’